primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

December 12, 2014

ચાલાક ડોશીમા

            એક હતું જંગલ. જંગલના છેડે ઝૂંપડી. ઝૂંપડીમાં એક ડોશીમા રહે. ડોશીમા સવારમાં વહેલાં ઊઠે. જંગલમાં ફળો વીણવા જાય, ફળ ખાય ને નિરાંતે પ્રભુભજન કરે.
            એક દિવસની વાત છે. ડોશીમા વહેલાં ઊઠ્યાં. ઝોળી ખભે ભરાવી, ઊપડ્યાજંગલમાં. પરંતુ, નજીકમાં ફળ ખૂટી ગયાં હતાં તેથી ડોશીમાને આજે દૂર જવું પડ્યું. જાતજાતનાં ફળોથી ઝોળી ભરાઈ ગઈ એટલે ડોશીમા પાછાં વળ્યાં.
            રસ્તામાં શિયાળ બેઠું હતું.શિયાળ કહે , ' અરે, તું શું લઇ જાય છે ? લાવ, ઝોળી મને આપી દે,નહીતર જવા નહિ દઉં.'
           ડોશીમા કહે ,'શિયાળભાઈ,
                    "ગમતું આપીશ આજે,
                     ઝૂંપડીએ આવજો સાંજે."

           મનગમતું મળવાની આશાએ શિયાળ રસ્તા પરથી ઊઠી ગયું. ડોશીમા આગળ ચાલ્યા એવામાં કૂતરો સામેથી આવ્યો. કૂતરો કહે ,' ડોશી,ઝોળી મને આપી દે, નહીતર પિંડીએ કરડીશ.'
         ડોશીમા કહે ,' કૂતરાભાઈ ,
               "ગમતું આપીશ આજે,
               ઝૂંપડીએ આવજો સાંજે."
         ગમતું મળવાની આશાએ કૂતરાએ રસ્તો છોડી દીધો. ડોશીમા આગળ ચાલ્યાં. ત્યાં એકાએક ઝાડીમાંથી વરુ ધસી આવ્યું.
         વરુ કહે,' એય ડોશી.ઝોળીમાં શું છે ?મને આપી દે, નહીતર કરડી ખાઈશ.'
        ડોશીમા કહે ,'વરુભાઈ,
              "ગમતું આપીશ આજે,
               ઝૂંપડીએ આવજો સાંજે."
         વરુ ઝાડીમાં પાછુ ચાલ્યું ગયું.ઝૂંપડી હવે નજીકમાં જ હતી. ત્યાં તો ભયંકર ત્રાડ સંભળાઈ.છલાંગ મારીને જંગલનો રાજા સિંહ રસ્તા પર આવીને ઊભો રહ્યો, પણ ડોશીમા જબરાં હિંમતવાળા,જરાય ગભરાયાં નહિ.
         સિંહ કહે,' એય ડોશી ! ઝોળી મને આપી દે, નહીતર અબઘડી ફાડી ખાઈશ.'
        ડોશીમા કહે ,' સિંહરાજા !
                    "ગમતું આપીશ આજે,
                     ઝૂંપડીએ આવજો સાંજે."
         સિંહ પણ રસ્તા પરથી હટી ગયો.
         ડોશીમા ઝૂંપડીએ આવ્યાં. હાથ-પગ ધોઈ, નિરાંતે ફળ ખાધાં.
          સાંજ પડી ત્યાં તો શિયાળ હાજર થઇ ગયું.શિયાળ કહે,' ડોશીમા,ડોશીમા મારો મનપસંદ ખોરાક લાવો. મેં તો સવારનું કશું ખાધું નથી.'
          એવામાં દૂરથી કૂતરાને આવતો જોઇને ડોશીમા કહે,
               " આપું ખોરાક ગમતો,
             પણ આવે કૂતરો ભસતો."
           કૂતરાને જોતાં જ શિયાળ તો જાય નાઠું ! કૂતરાએ દૂરથી જ બૂમ મારી : 'ડોશી, મને મનગમતું આપી દે.મારે મોડું થાય છે.'
           ડોશીમાએ કૂતરાને ઓટલા પર બેસાડ્યો. એટલામાં ડોશીમાએ વરુને આવતા જોયું. ડોશીમા કહે,
                           "આપું તમને ગમતું
                           પણ આવે વરુ ભમતું."
           વરુને જોતાં જ કૂતરો પૂંછડી દબાવી ભાગ્યો. વરુ ડોશીમા પાસે આવ્યું : ' ડોશી, સવારથી કોઈ શિકાર મળ્યો નથી.લાવ, મારો ખોરાક.'
           ત્યાં તો ભયંકર ગર્જના સંભળાઈ. વરુ ડોશીમાની પાછળ લપાઈ ગયું.
          ડોશીમા કહે ,
                    "આપું ખોરાક ગમતો
                      પણ આવે સિંહ ગર્જતો !"
           સિંહનું નામ સાંભળતા જ વરુ છૂ થઇ ગયું. સિંહે આવતાં જ ત્રાડ નાખી ,' એ ...ડોશી ! ક્યાં છે મારો મનગમતો શિકાર ? જલદી હાજર કર. મારે જમવાનો સમય થઇ ગયો છે.'
            ડોશીમા કહે ,' મહારાજ ,આપે અહી આવવાની તસ્દી કેમ લીધી ? આપ તો વનના રાજા કહેવાઓ.આપને તકલીફ અપાય નહિ. કૂતરો, શિયાળ અને વરુ - ત્રણેયને મેં આપના ભોજન માટે આપની પાસે જ મોકલ્યાં છે.' આમ કહી ડોશીમાએ ધૂળમાં પડેલાં શિયાળ, વરુ અને કૂતરાનાં પગલાં બતાવ્યાં.
          સિંહને ડોશીમાની વાત સાચી લાગી અને તે જંગલમાં પાછો ફર્યો.

          ચાલાક ડોશીમાએ હિંમત અને હોશિયારીથી પોતાનો જીવ બચાવ્યો.

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.